આશોતરો (આસુંદરો) આદિવાસી ભાષામાં હેંગળો
આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa (સંસ્કૃત . અશ્મન્તક, શ્વેતકંચન; હિન્દી ઝિંજેરી, કચનાલ) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ છે. તે નાનું, વાંકુંચૂકું ઝાંખરા જેવું વૃક્ષ છે. તેની શાખાઓ નમિત હોય છે. તે સમગ્ર ભારતમાં થાય છે. પશ્ચિમ હિમાલયમાં તે 1,650 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનું પ્રકાંડ ઊભી તિરાડો ધરાવે છે. છાલ વાદળી-કાળી, ખરબચડી, અંદરની તરફ ગુલાબી-લાલ અને ખુલ્લી થતાં બદામી રંગમાં ફેરવાય છે. પર્ણો સાદાં, તેમની લંબાઈ કરતાં પહોળાઈ વધારે, લીલાં, ચર્મિલ, દ્વિખંડી, થોડાંક હૃદયાકાર અને નીચેના ભાગે ભૂખરા રોમ વડે આવરિત હોય છે. પુષ્પો પીળાં હોય છે અને પીળાશ પડતા સફેદ પર્ણદંડની સામે કે પ્રકાંડના અગ્ર ભાગે ટૂંકા દંડ ઉપર કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી, સદંડી, 12થી 20 બીજવાળું, અરોમિલ, દાતરડા આકારનું અને ફૂલેલું હોય છે. બીજ ઘેરાં રાતાં-બદામી હોય છે.
જંગલમાં વૃક્ષારોપણ દરમિયાન ખાલી પડતી જગાઓમાં તેને ઉગાડવામાં આવે છે. તે ભૂક્ષરણ (soil erosion) અટકાવે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. છાલ દ્વારા દોરડાનો મજબૂત રેસો પ્રાપ્ત થાય છે. તે અતિસંકોચક (astringent) છે અને મરડામાં વપરાય છે. તે પિત્તસ્રાવપ્રેરક (cholagogue) અને પ્રતિશોથજ (antiinflammatory) સક્રિયતા દર્શાવે છે. અતિસાર-(diarrhoea)માં તેનાં પર્ણો ડુંગળી સાથે આપવામાં આવે છે. પર્ણો કૃમિઘ્ન (anthelmintic) ગણાય છે. તેનો ક્વાથ મલેરિયામાં આપવામાં આવે છે. પર્ણોનો ઉપયોગ ચારા તરીકે અને બીડી બનાવવામાં થાય છે. આ વનસ્પતિ દ્વારા ઔષધીય ગુંદર ઉત્પન્ન થાય છે.
કાષ્ઠ બદામી રંગનું હોય છે અને ઘેરાં ધાબાં ધરાવે છે. તે વજનમાં ભારે અને મજબૂત હોય છે અને હળ તથા ધૂંસરી બનાવવામાં ઉપયોગી છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
દશેરાના દિવસોમાં હિંદુઓ તેને પવિત્ર વૃક્ષ ગણી પૂજે છે.
આયુર્વેદ અનુસાર, તે તૂરું, ખાટું, શીતળ અને ગ્રાહક છે અને વાત, પિત્ત, કફ, મેહ, દાહ, તૃષા, ઊલટી, ગંડમાળ, વ્રણ, વિષમજ્વર, કંઠરોગ, રક્તવિકાર, ગલગંડ અને અતિસારનો નાશ કરે છે. તેની શિંગો તૂરી, શીતળ, ગ્રાહક, સ્વાદુ, રુક્ષ, ગુરુ, દોષદ્રાવક, મલરોધક, આધ્માનકર્તા અને કફ તથા વાયુનો નાશ કરે છે. તે વાતગુલ્મ અને શૂળ, પરમિયો કષ્ટ-પ્રસૂતિ, શોફોદર, તાવમાં માથાનો દુખાવો, ગર્ભસ્રાવ અને સોજા ઉપર ઉપયોગી છે.
તસવીર સ્થળ -
જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે પાલનપુર ની નજીક ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલું છે.સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત ૧૦૫ પ્રકારના પક્ષીઓનું મૂળવતં છે અભયારણ્યના સૂકા હવામાને ૪૦૫ જેટલા વનસ્પતિના છોડને ખિલવ્યા છે
૬ માર્ચ-૨૦૨૪ તસવીર હેમંત ઉપાધ્યાય અને અન્ય માધ્યમો
Comments
Post a Comment